ABOUT US

પ્રાર્થનાસંઘ–ભદ્ર આશ્રમ અક્ષરધામ નિવાસી સ્વામીશ્રી ભદ્રની તપોભૂમિ છે. સ્વામીજી સ્થાપિત પ્રાર્થનાસંઘ લગભગ સાડા છ દાયકા જૂની સુરતની અગ્રગણ્ય સેવાસંસ્થા છે. સ્વામીજીએ પૂ.સ્વામી શિવાનંદ (દિવ્ય જીવન સંઘ)પાસેથી સંન્યાસી દિક્ષા ગ્રહણ કર્યા પછી તેમની આજ્ઞાથી આ પવિત્ર ભૂમિ પર નિવાસ કરી તપ, ધ્યાન, યોગ સાથે વ્યાયામ, યોગભ્યાસ, અધ્યાત્મિક ચિંતન અને પ્રાર્થનાપ્રવૃત્તિ આદરી. પ્રાર્થનાને જીવનની અમોઘ શકિત માનતા તેઓએ પ્રાર્થના માસિક પ્રગટ કરીને લોકસેવા સાથે સર્વઘર્મ સમભાવ અને સદૂભાવનાનો દીપ પ્રગટાવ્યો જે આજે પણ ઝળહળી રહ્યો છે. પ્રાર્થનાની અમોઘ શક્તિનો ચમત્કાર તેમની સન્નિકટ આવેલા વિવિધ લોકોને થયો હતો. સ્વામીજીએ ગાંઘી વિચારધારાને અપનાવીને સર્વોદયનું સ્વપન સેવ્યું હતું ગુજરાત રાજ્યની સ્થાપના થતા સ્વામીજીને હાલ તાપી તટે જ્યાં ભદ્ર આશ્રમ છે. તે જ્ગ્યા પ્રાપ્ત થઈ. સુરતવાસી મહાજનોના આર્થિક સહયોગથી આ સ્થળે આશ્રમ રચીને નિયમિત પ્રાર્થના, ધ્યાનમંદિર, યોગભ્યાસ વગેરે પ્રવૃતિઓ આદરી હતી અને તે થકી આ ભૂમિને મહિમાવંતી બનાવી છે. તાપીમૈયાની ૨૦૦૬ની મહારેલમાં આશ્રમનું મકાન, ધ્યાનમંદિર નાશ પામ્યું હતું .પરંતુ આ ભૂમિનો અધ્યાત્મિક પ્રભાવ એવો ને એવો જ અકબંઘ રહ્યો છે.

પૂ. ભદ્ર સ્વામીએ ઋષિકેશના સ્વામી શિવાનંદજી પાસે ૧૯૫૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી, તેમના મનમાં સતત લક્ષ્યની શોધ ચાલુ હતી. એ દરમ્યાન મહાત્મા ગાંધીજીનું નિધન થયું. પુર્વજીવનમાં તેઓ ગાંધીજી સાથે રહી ચૂક્યા હતા અને ગાંધી વિચારધારાથી પ્રભાવિત હતા. પૂ. મહાત્માજીના નિધન પ્રસંગે નિત્ય પ્રાર્થના એ બાપુનું સર્વોત્તમ સ્મારક છે. એવી પ્રબળ ભાવનાને અમલમાં મૂકવા અનાવલ શુકલેશ્વર ધામમાં નિવાસ કરી પ્રાર્થનસંઘનો આરંભ કર્યો. પ્રાર્થનાસંઘની સ્થાપના વિ.સં. 2007-ઇ.. 1951 નૂતનવર્ષના દિને થઈ. એક વર્ષ અનાવલ રહ્યા પછી સર્વને અનુકૂળ એવા મધ્યસ્થ સ્થળ તરીકે સુરતની પસંદગી કરી. સ્વામીશ્રી સુરત આવ્યા અને ઉમરાસોમનાથ મહાદેવમાં નિવાસ કર્યો. જ્ઞાનયજ્ઞ, પત્રિકા પ્રકાશન, યોગશિક્ષણ, ધ્યાત્મ અને સમાજ શિક્ષણ તથા માનવ કલ્યાણની ઉદાત્ત ભાવના સાથે પ્રાર્થનાસંઘ સંસ્થાનો પ્રચા-પ્રસાર થવા લાગ્યો. આજે આપણે જે જગ્યા પર ભેગા થયા છીએ એ જગ્યા બૃહદ મુંબઈ સરકારે સ્વામીજીને અર્પણ કરી. સં.2014, ઇ.. 1958 થી સુરત પ્રાર્થનાસંઘ-ભદ્ર આશ્રમનો આરંભ થયો.

ગુરુદેવ સ્વામી શિવાનંદજીએ પૂ. ભદ્ર સ્વામીને પ્રાર્થના તેમજ યોગ-ધ્યાન જેવી જનકલ્યાણની ભદ્ર ભાવના સાથે પ્રવૃત્તિ કરવાનો આદેશ આપ્યો હતો.પૂ. ભદ્ર સ્વામીજીએ પ્રાર્થના પ્રવૃત્તિને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું અને પ્રાર્થના પ્રવૃત્તિ ઉપરાંત ‘પ્રાર્થના’ નામનું સામયિકનું પ્રકાશન કાર્ય શરૂ કર્યું. જે આજે પણ સંસ્થાની એક પ્રશસ્ય પ્રવૃત્તિ છે. પૂ. સ્વામીજીનું ‘યોગવિદ્યાપીઠ’નું સ્વપ્ન હતું અને તે દિશામાં વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડના વરદ હસ્તે વિદ્યાપીઠનો શિલાન્યાસવિધિ પણ કરાવ્યો હતો. પરંતુ પૂ.સ્વામીજીનું નિધન થતાં એ સ્વપ્ન અધૂરું રહ્યું.પરંતુ આજે પ્રાર્થનાસંઘ યોગ વર્ગો અને યોગઉપચારની પ્રવૃત્તિથી ધમધમે છે. સ્વામીજીનું એ રીતે યતકિંચિત ઋણ સ્વીકાર કાર્ય સાંપ્રત સમયમાં થઈ રહ્યું છે.

પ્રાર્થનસંઘનું મકાન બનતાં પ્રાર્થના આંદોલન, નિસર્ગોપચાર, આયુર્વેદિક ઉપચાર જેવા કાર્યક્રમો ઉમેરાયા. સર્વોદય પ્રવૃત્તિ પણ શરૂ થવા પામી. સ્વામીજી એક કુટીરમાં રહેતા અને એકઢાળિયા મકાનમાં પ્રાર્થનસંઘની પ્રવૃત્તિઓ ચાલતી. પ્રવૃત્તિઓના વિકાસમાં તથા આશ્રમના બાંધકામમાં પ્રતિષ્ઠિત સુરતવાસીઓ નટવરલાલ જાગીરદાર,વૈકુંઠભાઇ શાસ્ત્રી, દામોદરભાઈ જરીવાલા, ડો.વલ્લભભાઈ, વિનાયકભાઈ જરીવાલા, વગેરેએ સ્વામીજીની પ્રેરણાથી પ્રવૃત્તિઓ વિકાસાવી.સ્વામીજીના નિધન પછી પ્રવૃત્તિ મંદ પડી હતી. મકાન જર્જરિત થવા લાગ્યું હતું. સુરતની મહારેલમાં ઘણું નુકશાન થયું હતું.

સ્વામીજીના ધ્યેયોને સિધ્ધ કરવા નવા મકાનનું બાંધકામ અત્યારના ટ્રસ્ટીઓ દ્વારા થયું છે. પ્રવૃત્તિઓ વિકસવા લાગી છે. બે વિશાળ સભાગૃહનું નિર્માણ થયું છે. આપણે બેઠા છીએ તે હોલનું નિર્માણ થયું. સ્વામીજી જ્યાં કુટીરમાં ધ્યાન-તપ કરતાં તે કુટીર સ્મૃતિ રૂપે નિર્માણ પામી.

પ્રાર્થનાસંઘના પુસ્તકાલયમાં ૨૦,૦૦૦ જેટલા પ્રેરણાદાયી પુસ્તકોનો સંગ્રહ છે. પ્રતિ વર્ષ સરકારની સહાયથી તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે.પૂ. સ્વામીજી દ્વારા પ્રકાશિત ‘પ્રાર્થના’ સામયિક ૫૦ થી વધારે વર્ષોથી પ્રકાશિત થતું આવ્યું છે. તેનું આજીવન લવાજમ માત્ર ૫૦૦ રૂ. છે અને આશરે ૭૦૦ જેટલા સભ્યો તેનો લાભ લે છે. નિયમિત રીતે પ્રેરણાદાયી લેખો લખતું લેખકવૃંદ પણ પ્રાપ્ત થયું છે. બાળકો માટે વ્યક્તિત્વ વિકાસની પ્રવૃત્તિ ‘ચિલ્ડ્રન કોર્નર’ પણ છેલ્લા બે વર્ષથી ચાલે છે. પ્રાર્થનાસંઘ દ્વારા પ્રાર્થનાપ્રવૃત્તિના વ્યાપ માટે મંગલમય પ્રાર્થનાઓની ‘પ્રાર્થનાપોથી’નું પ્રકાશન પણ થયું છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી વિના મૂલ્યે પ્રેરણાદાયી પુસ્તકોનું પ્રકાશન કાર્ય હાથ ધરાયું છે. પૂ.સ્વામીજીની આત્મકથા ‘યોગમાયા’, ‘ગુરુપ્રસાદ’ તથા રવિશંકર મહારાજનું પુસ્તક ‘વિણેલાં મોતી’ તેમજ આ વર્ષે આરોગ્ય વિષયક પુસ્તક ‘મુદ્રા ચિકિત્સા’નું પ્રકાશન થયું છે.

શ્રી ભદ્રેશભાઇ શાહના સહયોગથી વીર-પ્રીતિ હોલનું નિર્માણ પણ થયું છે. પ્રાર્થનાસંઘ અત્યારે ૨0 જેટલી પ્રવૃત્તિઓ કરે છે. આબાલવૃધ્ધ માટે પુસ્તકાલય-વાચનાલય, હોમિયોપેથી તથા નિસર્ગોપચાર પ્રવૃત્તિ, ફિઝિયોથેરાપી તથા એક્યુપ્રેસર સારવાર, તેમજ સુજોક સારવાર અને કેન્સર-એઈડ્સ જેવી બીમારીઓ માટે હર્બલ ટ્રીટમેંટ, યોગ પ્રશિક્ષણ વર્ગો, સત્સંગ પ્રવૃત્તિ, સંગીતની પ્રવૃત્તિ વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓથી પ્રાર્થનાસંઘ ધબકતું રહે છે. રાહતદરે જરૂરિયાતમંદ બહેનો માટે સીવણ વર્ગ ચાલે છે. પ્રાર્થનાસંઘની આ બધી પ્રવૃત્તિઓ રાહતદરે ચાલે છે. હાલમાં પ્રવૃત્તિઓના વ્યાપ સાથે શ્રી નયનભાઈ ભરતીયાના સહયોગથી ‘ભરતીયા પ્રવૃત્તિ ખંડ’ નામનો પહેલો માળ તથા શ્રી સંદીપભાઈ જરીવાળાના સહયોગથી ‘પ્રિયંકા વેલનેસ સેન્ટર’ નામના બીજા માળનું નિર્માણ થયેલ છે. પ્રાર્થનાસંઘના આ બે માળના નવા મકાનમાં લોકકલ્યાણની વિવિધ પ્રવૃત્તિ કરતાં સેવાભાવી ટ્રસ્ટો તથા

 

વ્યક્તિગત અને પ્રાર્થનાપ્રેમી દાતાશ્રીઓનો ઉદાર સહયોગ પણ મળ્યો છે.

-નવીનભાઈ ચોખાવાળા